ઈ-મેઈલમાં CC અને BCC ના ઉપયોગને જાણો.


પ્રસ્તુત આર્ટીકલમાં ઈ-મેઈલમાં ઉપલબ્ધ Cc અને Bcc ના ઉપયોગ વિશે વિગતવાર ચર્ચા કરીશું.

➡ ઘણાં ઉપયોગકર્તાને ઈ-મેઈલ કરતી વખતે જોવા મળતાં Cc અને Bcc ના ઉપયોગ વિશે યોગ્ય કે સાચી માહિતી હોતી નથી, તો થઈ જાવ તૈયાર Cc અને Bcc ના યોગ્ય ઉપયોગને ઉદાહરણ સાથે સમજવા માટે.

➡ જ્યારે તમે ઈ-મેઈલને Compose કરો છો ત્યારે To ની સાથે જમણી બાજુ Cc અને Bcc જોવા મળે છે.

➡ અહીં, Cc એટલે Carbon copy અને Bcc એટલે Blind carbon copy.

➡ To માં તમે જેને ઈ-મેઈલ મોકલવા ઈચ્છો છો તે મુખ્ય રિસીવરનું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરવામાં આવે છે.

➡ Cc માં કાર્બન કોપી એટલે કે તમે આ ઈ-મેઈલ ફક્ત જાણકારી માટે જે રિસીવરને મોકલવા ઈચ્છો છો તેનું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરવામાં આવે છે.

➡ Bcc માં બ્લાઈન્ડ કાર્બન કોપી એટલે કે તેના હેઠળ ઉમેરવામાં આવેલ ઈ-મેઈલ એડ્રેસને To હેઠળના મુખ્ય રિસીવર કે Cc હેઠળના રિસીવર જોઈ શકશે નહીં.

પ્રસ્તુત બાબતને ઉદાહરણ વડે સમજીએ :

ઉદાહરણ – 1

➡ ધારો કે, શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓને પરીક્ષાના ટાઈમટેબલનો ઈ-મેઈલ કરવા ઈચ્છો છો. અહીં, સુરક્ષિતતા હેઠળ વિદ્યાર્થીઓ એકબીજાના ઈ-મેઈલ એડ્રેસ જાણી ન જાય તે બાબત ખાસ જરૂરી છે. જો To હેઠળ તમે દરેક વિદ્યાર્થીઓનું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરશો તો વિદ્યાર્થીઓને તમામ ઈ-મેઈલ એડ્રેસ દ્દશ્યમાન થઈ જશે અને આ રીતમાં ઈ-મેઈલ એડ્રેસનો દુરુપયોગ થવાની શક્યતા રહેલી છે. આ સમસ્યાથી બચવા માટે ઉપયોગી થશે – Bcc.

➡ To હેઠળ તમારી શાળાનું ઈ-મેઈલ એડ્રેસ ટાઈપ કરી શકાય, જેથી ઈ-મેઈલ મેળવનાર વિદ્યાર્થીઓને શાળાનું ઈ-મેઈલ એડ્રેસ જોવા મળશે.

➡ Bcc હેઠળ તમે જે વિદ્યાર્થીઓને ટાઈમટેબલ મોકલવા ઈચ્છો છો તે તમામ વિદ્યાર્થીઓનું ઈ-મેઈલ એડ્રેસ ટાઈપ કરો.

➡ ઈ-મેઈલમાં Subject હેઠળ વિષય ઉમેરો અને પરીક્ષાનું ટાઈમટેબલ એટેચ કરીને ઈ-મેઈલને Send કરો.

➡ આથી, તમારો ઈ-મેઈલ Send થઈ જશે અને વિદ્યાર્થીઓ એકબીજાના ઈ-મેઈલ એડ્રેસને જોઈ શકશે નહિ અને સુરક્ષિતતા જળવાઈ રહેશે.

ઉદાહરણ – 2

➡ ધારો કે, તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને રજા માટે તમે તમારા બોસને ઈ-મેઈલથી જાણ કરવા ઈચ્છો તો ક્યા પ્રકારે ઈ-મેઈલ કરી શકાય તે જાણો.

➡ સૌ પ્રથમ To હેઠળ તમે તમારા બોસનું ઈ-મેઈલ એડ્રેસ આપો, જે મુખ્ય ઈ-મેઈલ રિસીવર છે.

➡ ત્યાર બાદ Cc હેઠળ તમારા મૅનેજરનું ઈ-મેઈલ એડ્રેસ આપો, કે જેથી તે જાણી શકે તમે રજા પર છો. અહીં, મૅનેજરને કાર્બન કોપી હેઠળ તેની જાણ કરવામાં આવે છે.

➡ જો તમે ઈચ્છો તો Bcc હેઠળ તમારા અંગત એવા કર્મચારીઓનું ઈ-મેઈલ એડ્રેસ આપી શકો છો, જે દ્દશ્યમાન થશે નહિ અને તેઓ પણ જાણી શકશે કે તમે રજા પર છો.

આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.