પ્રસ્તુત આર્ટીકલમાં કી-બોર્ડની અગત્યની શોર્ટકટ કી વિશે વિગતવાર ચર્ચા કરીશું.
કી-બોર્ડ શોર્ટકટ એટલે ઈચ્છિત કામગીરીને માઉસનો ઉપયોગ કર્યા વિના અને કોઈ પણ મેનૂમાં ગયા વિના કી-બોર્ડનો ઉપયોગ કરીને મનપસંદ કામગરી કરવાની સરળ રીત. ઘણાં યુઝર્સ વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે કી-બોર્ડ શોર્ટકટ કીનો ઉપયોગ કરતાં હોય છે, જે ખૂબ જ સરળ અને ઝડપી પ્રક્રિયા છે. શરૂઆતમાં કી-બોર્ડ શોર્ટકટને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની રીત કંટાળાજનક લાગી શકે, પરંતુ સમયાંતરે આ જ પ્રક્રિયા સરળ અને ઝડપી લાગે છે. જરા યાદ કરો – માહિતીને કટ કરવા માટે Ctrl + X, કોપી માટે Ctrl + C, પેસ્ટ માટે Ctrl + V, પ્રિન્ટ માટે Ctrl + P વગેરે... વગેરે... કી-બોર્ડ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને તમે પણ સ્માર્ટ યુઝર બની શકો છો. તો થઈ જાવ તૈયાર સ્માર્ટ શોર્ટકટ કી યુઝર બનાવા માટે....
➡ તમે ઈન્ટરનેટ પરના વેબપેજ જોવા માટે કે પીડીએફ ફાઈલમાં પેજને ઉપરની તરફ કે નીચેની તરફ સ્ક્રોલ કરવા માટે કી-બોર્ડની અપ એરો કે ડાઉન એરો કીનો ઉપયોગ કરતાં હશો, ખરું ને ? પરંતુ Spacebar કી પ્રેસ કરીને નીચેની તરફ તથા Shift + Spacebar કી નો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી ઉપરની તરફ સ્ક્રોલ કરી શકાય છે.
➡ તમે પેજની ઉપરની તરફ જવા માટે Page Up અને પેજની નીચેની તરફ જવા માટે Page Down કીનો ઉપયોગ કરતાં હશો, ખરું ને ? પરંતુ Ctrl + Home ની મદદથી ડાયરેક્ટ પેજના ઉપરના ભાગે તેમજ Ctrl + End કીની મદદથી ડાયરેક્ટ પેજના અંત ભાગમાં આવી શકો છો.
➡ તમે માહિતીની કૉપી કરવા માટે માહિતીને સિલેક્ટ કરીને Ctrl + C શોર્ટકટ કીનો ઉપયોગ કરતાં હશો, ખરું ને ? પરંતુ શું તમને ખબર છે, આ જ કામગીરી Ctrl + Insert કીનો ઉપયોગ કરીને કરી શકાય છે. Ctrl + Insert કીનો ઉપયોગ કરવાથી માહિતીનો ક્લિપબોર્ડમાં સંગ્રહ થાય છે.
➡ તમે માહિતીને પેસ્ટ કરવા માટે માહિતીની કોપી કર્યા બાદ Ctrl + V શોર્ટકટ કીનો ઉપયોગ કરતાં હશો, ખરું ને ? પરંતુ શું તમને ખબર છે, આ જ કામગીરી Shift + Insert કીનો ઉપયોગ કરીને કરી શકાય છે.
➡ તમે Undo કરવા માટે Ctrl + Z નો ઉપયોગ કરતાં હશો, પરંતુ Undo ને ફરીથી Redo કરવા માટે તમે Ctrl + Y નો ઉપયોગ કરી શકો છો.
આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.