મોબાઈલમાં પણ કમ્પ્યૂટરની જેમ યુઝર સેટીંગ હોય છે, ખબર છે ?

પ્રસ્તુત આર્ટીકલમાં મોબાઈલમાં પણ કમ્પ્યૂટરની જેમ યુઝર સેટીંગ ઉપલબ્ધ હોય છે, જેના વડે સ્માર્ટફોનની પ્રાઈવસી એટલે કે સુરક્ષિતતા જાળવી શકાય છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
વોટ્સએપ પર તમે એક જોક્સ વાંચ્યો હશે, જેમાં જણાવવામાં આવ્યું છે કે –
પત્ની તેના પતિ : જરા ઘઉં દળાવી આવોને.....
પતિ : મારી તબિયત સારી નથી.... તું જઈ આવ...
પત્ની : તમારો ફોન આપોને... ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ લઉં...
પતિ (ફોન ન આપવાની બીક સાથે) : મને સારું થઈ ગયું છે... લાવ ઘઉં દળાવી આવું...
કહેવાનું તાત્પર્ય એ છે કે – ફોન એ હવે અંગત બાબત બની ચૂક્યો છે, પ્રાઈવેટ પ્રોપર્ટી, ખરું ને ?
કોઈ તમારો ફોન માંગે અને કેટલાક કિસ્સાઓમાં તો ઘરના કોઈ સભ્ય પણ ફોન માંગે તો ઘણાંને પરસેવો વળી જાય છે !!!
કારણ છે – ફોનમાં રહેલો અંગત એટલે કે પર્સનલ ડેટા.
તમારા મિત્ર, સ્નેહી સંબંધી કે ઘરના સભ્ય જ મોબાઈલ માંગે તો તેમને મોબાઈલ આપવો તે આપણી મજબૂરી બની જાય છે, ખરું ને ?
પરંતુ મહત્ત્વનો પ્રશ્ન છે – તમારા પર્સનલ ફોટોગ્રાફ, વિડીયો, ચેટ, ડેટા વગેરેનું શું ?
આ સમસ્યા અત્ર, તત્ર અને સર્વત્ર છે, ટૂંકમાં આ સમસ્યા “ઘર ઘરની કહાની છે” સોરી... સોરી... “મોબાઈલ મોબાઈલની કહાની છે” દરેકને આ સમસ્યા વત્તાઓછા પ્રમાણમાં હોય જ છે !!!
સમસ્યા મોટી છે, પરંતુ તેનો ઉપાય ખૂબ જ સરળ છે...
એન્ડ્રોઈડમાં Settings હેઠળ આ સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ છે !!!
શાળા, કોલેજ, ઓફિસ, બેંકમાં રાખેલાં કમ્પ્યૂટરમાં યુઝર બનાવીને કે ગેસ્ટ યુઝર બનાવીને તેમાં લોગઈન કરીને પ્રાઈવસી એટલે કે સુરક્ષિતતા જાળવવામાં આવે છે, તે જ પ્રમાણે મોબાઈલમાં યુઝર બનાવીને અથવા ગેસ્ટ યુઝર તરીકે લોગઈન કરીને પ્રાઈવસી જાળવી શકાય છે.
મોબાઈલમાં ગેસ્ટ યુઝર એક્ટિવ કરતાં જ તે ફેક્ટરી સેટીંગ સાથે ઉપલબ્ધ બને છે.
ગેસ્ટ યુઝરમાં તમારો કોઈપણ પ્રકારનો ડેટા જોવા મળતો નથી અને તમારા ફોનની પ્રાઈવસી જળવાઈ રહે છે.
મોબાઈલમાં Guest યુઝરને એક્ટિવ/ડિએક્ટિવ કરવાની રીત :
➡ સૌપ્રથમ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ Settings વિકલ્પ પસંદ કરો.
➡ હવે, Settings હેઠળ Users વિકલ્પ પસંદ કરો.
➡ તેમાંથી Guest વિકલ્પ પસંદ કરો.
➡ આ સાથે થોડીક વારમાં Guest મોડ એક્ટિવ થઈ જશે.
➡ અહીં, ધ્યાનમાં લેશો કે – Guest મોડ ફેક્ટરી સેટીંગ મુજબ જોવા મળે છે.
➡ Guest મોડમાં તમારો અંગત ડેટા ક્યાંય પણ પ્રદર્શિત થશે નહીં અને તે સુરક્ષિત રહેશે.
➡ Guest મોડમાંથી પાછા Owner મોડમાં આવવા માટે રિવર્સ પ્રોસેસ કરો, જેમાં Settings હેઠળ Users વિકલ્પમાં Owner વિકલ્પ પસંદ કરો.
➡ Guest અને Owner મોડમાં ફેરફાર કરવાથી તમારો ડેટા સુરક્ષિત જ રહે છે, ફક્ત મોબાઈલના યુઝર મોડમાં ફેરફાર થાય છે.
➡ ટૂંકમાં, તમારો ફોન કોઇને પણ સોંપતાં પહેલાં Guest મોડ એકિટવ કરી દો.
➡ આમ, આ સરળ ટ્રિકનો ઉપયોગ કરીને તમારા મોબાઈલની પ્રાઈવસી પણ જળવાય છે અને સંબંધ પણ...
આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.