શું તમારું કમ્પ્યૂટર/લેપટોપ હૅંગ થાય છે ?

વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં જો તમારું કમ્પ્યૂટર/લેપટોપ હૅંગ થતું હોય તો આ સમસ્યાથી ક્યા પ્રકારે બચી શકાય તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.

નવું કમ્પ્યૂટર કે લેપટોપ હોય ત્યારે શરૂઆતમાં તે સારું પરફોર્મન્સ આપે છે, પરંતુ સમયાંતરે તેની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. કમ્પ્યૂટર/લેપટોપના નિયમિત ઉપયોગથી લાંબા ગાળે તેની સ્પીડમાં ઘટાડો થાય છે, પ્રોગ્રામ શરૂ થવામાં વધુ સમય થાય છે, તે હૅંગ થવા લાગે તે પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યાનું મુખ્ય કારણ – નિયમિત રીતે કમ્પ્યૂટરમાંથી વધારાની ફાઈલ્સની સાફસફાઈ ન કરવી તે હોઈ શકે છે. ઘણી વખત કમ્પ્યૂટરમાં ડેટા સ્ટોરેજ માટે પૂરતી સ્પેસ હોવા છતાં, એન્ટિવાયરસ સૉફ્ટવેર ઈન્સ્ટોલ કર્યો હોવા છતાં તેમજ વધુ પ્રમાણમાં સૉફ્ટવેર ઈન્સ્ટોલ ન કર્યા હોવા છતાં પણ કમ્પ્યૂટર ધીમું ચાલવાની તેમજ હૅંગ થવાની સમસ્યા જોવા મળે છે. જો અહીં આપેલ ટિપ્સ અને ટ્રિકનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી આ પ્રકારની સમસ્યાથી બચી શકાય છે.

જો તમારું કમ્પ્યૂટર/લેપટોપ સ્લો પડી ગયું હોય કે વારંવાર હૅંગ થતું હોય તો નીચે આપેલ ટિપ્સ અને ટ્રિકનો ઉપયોગ કરો, ચોક્કસથી આ સમસ્યાથી બચી શકાશે.....

➡ પહેલાં સ્ટેપ તરીકે સૌ પ્રથમ સારા એન્ટિવાયરસ સૉફ્ટવેરની મદદથી સંપૂર્ણ કમ્પ્યૂટર સિસ્ટમને સ્કેન કરો.

➡ બીજા સ્ટેપ તરીકે Disk Defragmenter સુવિધાનો ઉપયોગ કરો અને સંપૂર્ણ ડિસ્કને ડિફ્રેગમેન્ટ કરો. આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે, પરંતુ કમ્પ્યૂટર હૅંગ તેમજ સ્લો પડી જવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

➡ ત્રીજા સ્ટેપ તરીકે Disk Cleanup કરો. આ માટે દરેક ડ્રાઈવ પર રાઈટ ક્લિક કરી Properties હેઠળ General ટેબમાં Disk Cleanup બટન પર ક્લિક કરો.

➡ ચોથા સ્ટેપ તરીકે Win કી + R પ્રેસ કરી Run ના ડાયલોગ બૉક્સમાં નીચે મુજબના કમાન્ડ એક પછી એક ટાઈપ કરીને તેમાં ક્લિન અપના વિકલ્પને પસંદ કરો.

temp

%temp%

prefetch

tree

recent

ઉપરોક્ત કમાન્ડ આધારિત ક્લિનઅપ કરવાથી કમ્પ્યૂટરમાંથી વધારાની ફાઈલ્સ દૂર થશે અને કમ્પ્યૂટર હૅંગની સમસ્યામાંથી છુટકારો મળશે.

આ સિવાય નીચે મુજબના પગલાં ભરવાથી પણ કમ્પ્યૂટર હૅંગ અને સ્લો પડી જવામાંથી મુક્તિ મેળવી શકાય છે :

➡ કમ્પ્યૂટરમાં નિયમિત રીતે ઉપયોગમાં ન લેવાતાં વધારાના પ્રોગ્રામ્સને દૂર કરો.

➡ અગત્યના ડેટાને ગુગલ ડ્રાઈવ પ્રકારના ક્લાઉડ સ્ટોરેજ પર સેવ કરો.

➡ નિયમિત રીતે કમ્પ્યૂટરમાંથી વધારાના ડેટાનો બેકઅપ એક્સ્ટર્નલ હાર્ડડિસ્કમાં લો.

➡ કમ્પ્યૂટર સ્ટાર્ટઅપમાંથી વધારાના પ્રોગ્રામ્સને દૂર કરો. આ માટે Win કી + R માં msconfig વડે Startup ટેબમાંથી વધારાના પ્રોગ્રામ્સને દૂર કરો.

➡ કમ્પ્યૂટરમાં Ccleaner પ્રકારના સૉફ્ટવેરને ઈન્સ્ટોલ કરીને સંપૂર્ણ કમ્પ્યૂટર સિસ્ટમને ક્લિનઅપ કરો, આ પ્રકારના સોફ્ટવેર વધારાની ટેમ્પરરી ફાઈલ, કૂકી વગેરેને દૂર કરે છે.

➡ માસ્ટર ડ્રાઈવમાં ડેટા સ્ટોરેજ ઓછું રહે તેનું ધ્યાન રાખો. તેમાંથી વધારાના ડેટાને અન્ય ડ્રાઈવમાં મૂવ કરો.

➡ ડેસ્કટોપ પર વધુ ડેટા સ્ટોર ન કરો. ફોલ્ડરનું યોગ્ય મેનેજમેન્ટ કરો.

આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.