મોબાઈલનું ટચસ્ક્રીન કામ ન કરે ત્યારે શું કરશો ?


વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં મોબાઈલનું ટચસ્ક્રીન કામ ન કરે ત્યારે શું કરવું જોઈએ તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, સાથે જ તેને લગતી અવનવી સમસ્યાઓ પણ વધી રહી છે, ખરું ને ? શરૂઆતમાં કી-પેડ ધરાવતાં ફોન આવતાં હતાં, જેનું સ્થાન આજે ટચસ્ક્રીન ધરાવતા સ્માર્ટફોને લીધું છે. આજે કી-પેડમાંથી વિવિધ પ્રકારની કીને પ્રેસ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને ટચસ્ક્રીનના કારણે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ બની ગયો છે. સ્માર્ટફોનમાં ટચસ્ક્રીન એ એક આગવું સ્થાન ધરાવે છે. સ્માર્ટફોનમાં આગવી સુવિધા ધરાવતી ટચસ્ક્રીન ઘણા યુઝર્સ માટે મોટી સમસ્યા બની ચૂકી છે. ઘણાં યુઝર્સની સમસ્યા હોય છે કે, તેમના સ્માર્ટફોનની ટચસ્ક્રીન કામ નથી કરતી અથવા ટચસ્ક્રીન પર વારંવાર પ્રેસ કરવામાં આવે ત્યારે જ કોઈ કામગીરી થાય છે.
સ્માર્ટફોનમાં ટચસ્ક્રીન કામ કરતું ન હોય ત્યારે નીચે આપેલી ટિપ્સ અને ટ્રિકનો ઉપયોગ કરો :
સ્ક્રીન ગાર્ડને સમયાંતરે બદલો.
સ્માર્ટફોન ખરીદો એટલે સૌપ્રથમ કામ હોય છે, તેના ટચસ્ક્રીન પર સ્ક્રીન ગાર્ડ લગાવવાનું. સ્ક્રીન ગાર્ડ મોબાઈલના સ્ક્રીનને સુરક્ષિત કરે છે, જે લગાવવો જરૂરી પણ છે. સ્ક્રીન ગાર્ડના કારણે સ્માર્ટફોનના સ્ક્રીન પર સ્ક્રેચ પડતાં નથી અને તે સલામત રહે છે. પરંતુ લાંબા ગાળા સુધી સ્ક્રીન ગાર્ડના ઉપયોગના કારણે તે ઘસાઈ જાય છે અને તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. સ્ક્રીન ગાર્ડ પર સ્ક્રેચ પડવાના કારણે કે ઘસાઈ જવાના કારણે ટચસ્ક્રીન પર કામ કરવું મુશ્કેલ બને છે. સમયાંતરે સ્ક્રીન ગાર્ડને દૂર કરી ટચ સ્ક્રીન સાફ કરી નવો સ્ક્રીન ગાર્ડ લગાવવાથી ટચસ્ક્રીનની સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.
ફોનને રિસ્ટાર્ટ કરો.
જો અચાનક જ તમારા ફોનનું ટચસ્ક્રીન કામ કરતું બંધ થઈ જાય તો ફોનને રિસ્ટાર્ટ કરો. ફોનના પાવર બટનને થોડી વાર માટે દબાવી રાખીને રિસ્ટાર્ટ કરવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે. જો ફોન રિસ્ટાર્ટ કરવા છતાં ટચસ્ક્રીન કામ ન કરતું હોય તો તેને ફેક્ટરી સેટીંગ પ્રમાણે સેટ કરો. ફોનને ફેક્ટરી રિસેટ કરવા માટે સામાન્ય રીતે Settings માં Backup & Reset હેઠળ Factory Reset વિકલ્પની પસંદગી કરવી.
ડેવલપર ઓપ્શનને ડિસેબલ કરો.
આજકાલ ઘણાં યુઝર્સ વધારાની સુવિધાઓ મેળવવા માટે Developer Option ને Active કરતાં હોય છે, પરંતુ આ વિકલ્પને On કરવાથી મોબાઈલમાં ટચસ્ક્રીનની સમસ્યા ઉદ્દભવી શકે છે. જો ટચસ્ક્રીનની સમસ્યા જોવા મળે તો Developer Option ને Deactive કરીને ફોનને રિસ્ટાર્ટ કરો.
નવી એપ્લિકેશનને દૂર કરો.
ઘણી વખત કોઈ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાના કારણે પણ ટચસ્ક્રીન કામ કરતું બંધ થઈ જાય તેવું બને. જો તમે કોઈ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી હોય અને ત્યાર બાદ મોબાઈલનું ટચસ્ક્રીન કામ કરતું બંધ થઈ ગયું હોય તો તાત્કાલિક રીતે તે એપ્લિકેશનને દૂર કરી ફોનને રિસ્ટાર્ટ કરો.
સ્ક્રીનનો સ્લીપ ટાઈમ ઓછો રાખો.
મોબાઈલ સ્ક્રીનનો સ્લીપ ટાઈમ વધુ રાખવાથી લાંબા ગાળે તેની સ્ક્રીનને નુકશાન થવાની તેમજ તેની કાર્યક્ષમતામાં ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. ઘણી વખત યુઝર જરૂરી ન હોય તો પણ સ્ક્રીનનો સ્લીપ ટાઈમ વધુ રાખતાં હોય છે, જેના કારણે બિનજરૂરી રીતે સ્ક્રીન બર્ન થાય છે. શક્ય હોય તો Settings માં Display હેઠળ Sleep ટાઈમને ઘટાડો. આ સિવાય સ્ક્રીનને ઑફ કરવા માટે Screen Off and Lock પ્રકારની એપનો પણ ઉપયોગ કરી શકાય, જેમાં Screen Off ના આઈકન પર પ્રેસ કરતાં જ સ્ક્રીન ઑફ થઈ જાય છે અને બિનજરૂરી રીતે સ્ક્રીન બર્ન થતી અટકે છે. Screen Off and Lock એપને તમે નીચે આપેલ લિંક પરથી ઈન્સ્ટોલ કરી શકો છો.
મોબાઈલ સ્ક્રીનની સાચવણી માટેની ટિપ્સ :
➡ મોબાઈલને જીન્સ પેન્ટ કે શર્ટના ખિસ્સામાં રાખતી વખતે તેની સાથે કોઈ સખત વસ્તુ ન ઘસાય તેનું ધ્યાન રાખો.
➡ સમયાંતરે મોબાઈલના સ્ક્રીનને ચોખ્ખાં માઈક્રોફાઈબર કપડામાં સાદુ પાણી કે ગ્લાસ ક્લિનર લઈને તેના વડે સાફ કરો.
➡ મોબાઈલના ટચ સ્ક્રીનને ઢાંકી દે તે પ્રકારનું કવર કે સ્ક્રીન પ્રોટેક્ટર લગાવવું યોગ્ય રહેશે.
➡ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે તમારા હાથ ગંદા ન હોય તેનું ધ્યાન રાખો.
➡ મોબાઈલનો સ્ક્રીન સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન રહે તેનું ધ્યાન રાખવું.
➡ મોબાઈલના સ્ક્રીનના સંપર્કમાં કોઈ ધારદાર વસ્તુ ન આવે તેનું ધ્યાન રાખો.
➡ મોબાઈલ પર કોઈ વજનદાર વસ્તુ ન પડે તેનું ધ્યાન રાખો.
➡ મોબાઈલ સ્ક્રીનનો સ્લીપ ટાઈમ ઓછો રાખો.
➡ મોબાઈલમાં જરૂર ન હોય ત્યારે સ્ક્રીનનો ડિસ્પ્લે Off કરો.
આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.