મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો શું કરવું ?

વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જવાની સ્થિતિમાં શું કરવું જોઈએ તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.

આજ કાલ મોબાઈલ એ ફક્ત “ફોન” ન રહેતાં “સ્માર્ટફોન” બની ચૂક્યો છે. તેનો ઉપયોગ ફક્ત વાતચીત કરવા કે મેસેજ કરવા પૂરતો મર્યાદિત ન રહેતાં અનેક પ્રકારની કામગીરી એટલે કે મલ્ટિટાસ્કીંગ ડિવાઈસ તરીકે થઈ રહ્યો છે. સ્માર્ટફોન વડે પર્સનલ કમ્પ્યૂટર વડે કરી શકાતી તમામ પ્રકારની કામગીરી કરી શકાય છે. આથી જ દરેક પાસે સ્માર્ટફોન હોય તે એક સામાન્ય બાબત બની ચૂકી છે. આજે માર્કેટમાં સસ્તાથી લઈને મોંઘા સ્માર્ટફોનની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. નાનાથી લઈને મોટા દરેકની પાસે સ્માર્ટફોન વિશે અનેક પ્રકારની મહત્ત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ હોય છે, પરંતુ ન કરે નારાયણ અને તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ? આ પ્રકારની પરિસ્થિતિમાં તમે શું કરો ? આ પ્રશ્નનો જવાબ અનેક યુઝર્સ પાસે નથી હોતો. સામાન્ય રીતે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે યુઝરને કંઈ સુઝતું નથી, ખરું ને ? સ્માર્ટફોન ચોરાઈ કે ખોવાઈ જાય તો સ્માર્ટફોન જવાનું દુઃખ તો હોય જ પણ સાથે અગત્યના ફોન નંબરની સાથે મહત્ત્વનો ડેટા જવાનું દુઃખ હોય તે નફામાં !!! ચાલો, ત્યારે ફોન ખોવાઈ કે ચોરાઈ જવાની સ્થિતિમાં શું કરવું જોઈએ તે જાણવા માટે તૈયાર થઈ જાવ...

સૌ પ્રથમ સેલ્યુલર ઓપરેટરનો સંપર્ક કરી સીમકાર્ડ બંધ કરાવો.

મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જવાનું નક્કી થાય એટલે સૌ પ્રથમ સેલ્યુલર ઓપરેટરનો સંપર્ક કરીને તમારું સીમકાર્ડ બંધ કરાવવાની કામગીરી કરો, જેથી કરીને કોઈ પણ તમારા સીમકાર્ડનો દુરુપયોગ નહિ કરી શકે. સીમકાર્ડ બંધ કરાવવાથી કોઈ પણ તમારા ફોનનો દુરુપયોગ નહિ કરી શકે. આ કામગીરી જેટલી ઝડપથી કરી શકાય તેટલું સારું.

ગુગલ મેપ અને લોકેશનની હિસ્ટ્રીનો ઉપયોગ કરો.

આજકાલ એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ ઈનબિલ્ટ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ સાથે ઉપલબ્ધ બને છે. વધુમાં, આ પ્રકારના ડિવાઈસ તમારી દરેક મૂવમેન્ટને ટ્રેસ કરે છે. જો કે આ માટે ફોનમાં ઈન્ટરનેટ સુવિધા એક્ટિવ હોવી જરૂરી છે. કમ્પ્યૂટરમાં ગુગલ એકાઉન્ટ વડે લોગઈન કરીને તમે મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી શકો છો. જ્યાં સુધી ફોનને સ્વીચ ઑફ કરવામાં નથી આવતો ત્યાં સુધી ફોનની માહિતી મળતી રહે છે. આ પ્રકારની સુવિધા મેળવવા માટે તમે Find My Device એપને પણ ઈન્સ્ટોલ કરી શકો છો. વધુમાં, નીચે આપેલ એન્ડ્રોઈડ ડિવાઈસ મેનેજર લિંકનો ઉપયોગ કરીને તમે તમારા મોબાઈલમાં સાઉન્ડ એલર્ટ, ફોન લોક તેમજ મોબાઈલમાં રહેલા ડેટાને ભંસી શકો છો.

https://www.google.co.in/android/find

સોશિયલ સાઈટના પાસવર્ડને બદલી નાંખો.

મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જવાનો ખ્યાલ આવે કે તુરંત જ સોશિયલ મીડિયા આધારિત ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ગુગલ વગેરેના પાસવર્ડને બદલી નાંખો. આજકાલ સોશિયલ મિડીયાનો દુરુપયોગ થવાના સમાચાર અવારનવાર જોવા અને વાંચવા મળે છે, તો આ પ્રકારની સ્થિતિમાં પાસવર્ડ બદલવા જરૂરી બને છે.

લોક સ્ક્રીન પર સંપર્કની માહિતી સેટ કરો.

લોક સ્ક્રીનમાં તમે તમારી માહિતી સેટ કરી શકો છો, જેના વડે તમારો મોબાઈલ લોક સ્થિતિમાં પણ તમારું નામ અને સંપર્ક નંબર પ્રદર્શિત કરે છે. આ પ્રકારના સેટિંગ વડે જો કોઈ ઈચ્છે તો તમારા નામ અને નંબરના આધારે તમારો સંપર્ક કરી શકે છે અને તમારો ફોન પરત કરી શકે છે. આ પ્રકારની ગોઠવણ કરવા માટે સામાન્ય રીતે Settings માં જઈને Lock screen માં Owen info હેઠળ તમારું નામ અને અન્ય સંપર્ક નંબર ઉમેરી શકાય છે, જે તમારી લોક સ્ક્રીનમાં પ્રદર્શિત થશે.

મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તે પહેલાની સાવચેતી :

મોબાઈલનો IMEI નંબર હાથવગો રાખો.

IMEI એટલે International Mobile Equipment Identity, જે 15 આંકડાના નંબરના આધારે મોબાઈલ નંબરની અનન્ય ઓળખને પ્રસ્થાપિત કરે છે. ફોન ચોરાઈ કે ખોવાઈ જવાની સ્થિતિમાં ફરિયાદ કરતી વખતે આ નંબર ઉપયોગી સાબિત થઈ શકે છે. મોબાઈલમાં *#06# ડાયલ કરીને IMEI નબંર મેળવી શકાય છે. આ સાથે જ મોબાઈલનું બિલ સાચવીને રાખવું તમેજ આ પ્રકારની સ્થિતિમાં તુરંત જ મળે તે ઈચ્છનીય છે.

મોબાઈલ કોન્ટેક્ટને ગુગલ પર સ્ટોર કરો.

તમે તમારા મોબાઈલમાં રહેલા ફોન નંબર્સને ડાયરેક્ટ જી-મેઈલ સાથે Sync કરી શકો છો, એટલે કે તમે જેવો કોઈ મોબાઈલ નંબર સ્ટોર કરશો કે તુરંત જ તે જી-મેઈલમાં સ્ટોર થઈ જશે.

નિયમિત બેકઅપ લેતા રહો.

તમારા મોબાઈલમાં રહેલા ફોટોગ્રાફ, વિડીયો, ઓડિયો, ડૉક્યુમેન્ટ પ્રકારની માહિતીનો બેકઅપ નિયમિત રીતે લો. જો શક્ય હોય તો તમારા ડેટાનો બેકઅપ ક્લાઉડ સ્ટોરેજ પર એટલે કે ગુગલ ડ્રાઈવ પર લેવો હિતાવહ છે. વોટ્સએપ પ્રકારની એપ તમને તમારો ડેટા ગુગલ ડ્રાઈવ પ્રકારના ક્લાઉડ પર સ્ટોર કરવાની સુવિધા આપે જ છે, જેનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ સુવિધાનો ઉપયોગ કરવાથી તમારો ડેટા સુરક્ષિત રહેશે. બેકઅપ લેવા માટે તમે ખૂબ જ પ્રચલિત એવી Super Backup & Restore એપને નીચે આપેલ લિંક પરથી ઈન્સ્ટોલ કરી શકો છો, જેના વડે તમે ખૂબ જ સરળતાથી મોબાઈલમાં રહેલી એપ્સ, SMS, કોન્ટેક્ટ, કોલ લૉગ, કેલેન્ડર, બુકમાર્ક, પિક્ચર વગેરેનો બેકઅપ લઈ શકો છો.

https://goo.gl/UJ389k

આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.