જી-મેઈલનો અદ્યતન અને અફલાતુન ઈન્ટરફેસ.


વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં આપણે જી-મેઈલના નવા ઈન્ટરફેસ વિશે વિગતવાર ચર્ચા કરીશું.
ગુગલની ખૂબ જ લોકપ્રિય અને પ્રલચિત જી-મેઈલ સેવા હવે નવા ઈન્ટરફેસ એટલે કે નવા લુક અને સુવિધા સાથે ઉપલબ્ધ છે. જો કે હાલમાં આ સુવિધા ફક્ત કમ્પ્યૂટર માટે જ ઉપલબ્ધ થઈ છે, મોબાઈલ માટે નહિ. જી-મેઈલના નવા ઈન્ટરફેસની મુખ્ય સુવિધાઓ જાણ્યા પછી તમે તેનો ઉપયોગ કરવા માટે ચોક્કસથી પ્રેરાશો. તો ચાલો જાણીએ જી-મેઈલના અદ્યતન અને અફલાતુન ઈન્ટરફેસ વિશે...
જી-મેઈલનો નવો ઈન્ટરફેસ મેળવવાની રીત :
➡ સૌપ્રથમ તો જી-મેઈલનો નવો ઈન્ટરફેસ કે લુક મેળવવા માટે જી-મેઈલ એકાઉન્ટમાં લોગઈન થઈને ઉપરની બાજુ જમણી તરફ રહેલાં Settings ના બટન પર ક્લિક કરીને સૌપ્રથમ વિકલ્પ Try the new Gmail પર ક્લિક કરો.
➡ ત્યાર બાદ જોવા મળતાં Welcome સ્ક્રીનમાં Next બટન પર ક્લિક કરો.
➡ હવે, જી-મેઈલના નવા લુક માટે Default, Comfortable અને Compact પ્રકારના ત્રણ વિકલ્પોમાંથી મનપસંદ વ્યૂ સાથેનો વિકલ્પ પસંદ કરી OK બટન પર ક્લિક કરો.
➡ આ સાથે જ જી-મેઈલનો નવો ઈન્ટરફેસ જોવા મળે છે.
જી-મેઈલના નવા ઈન્ટરફેસનો ઉપયોગ કરવાના ફાયદાઓ :
➡ જી-મેઈલના નવા ઈન્ટરફેસ હેઠળ નવો ઈ-મેઈલ મોકલવા માટે ડાબી બાજુ ઉપરની તરફ નવા લુક સાથેનું અને પ્રમાણમાં મોટું અને આકર્ષક એવું Compose નું બટન જોવા મળે છે.
➡ જી-મેઈલના નવા ઈન્ટરફેસ હેઠળ હોમ સ્ક્રીનમાં જમણી તરફ વિવિધ પ્રકારના એડ-ઓન્સ જોવા મળે છે. જેમાં પૂર્વનિર્ધારિત રીતે ગુગલના Calendar, Keep અને Tasks ના એડ-ઓન્સ જોવા મળે છે. તેમાં તારીખ આધારિત વિગતો માટે Calendar, કામગીરી આધારિત વિગતો માટે Keep અને અગત્યના કામની યાદી તૈયાર કરવા માટે Tasks એડ-ઓન્સનો ઉપયોગ કરી શકાય છે. જો કે તેમાં નીચેની બાજુ આપેલાં + ના ચિહ્ન પર ક્લિક કરીને G Suite Marketplace હેઠળ વિવિધ કેટેગરી હેઠળ ઉપલબ્ધ અન્ય એડ-ઓન્સને સરળતાથી ઉમેરી શકાય છે.
➡ જી-મેઈલના નવા ઈન્ટરફેસમાં પૂર્વનિર્ધારિત રીતે Primary, Social અને Promotions પ્રકારના ત્રણ ટેબ્સ જોવા મળે છે. જો તમે ઈચ્છો તો તેમાં રહેલાં ટેબ્સને દૂર કરી શકો અથવા વધારાના ટેબ્સને ઉમેરી શકો છો. આ માટે Settings હેઠળ Configuration Inbox વિકલ્પને પસંદ કરીને મનપસંદ ટેબ્સને ઉમેરી કે દૂર કરી શકો છો.
➡ જી-મેઈલના નવા ઈન્ટરફેસ હેઠળ ક્વિક રિસ્પોન્સના આઈકોન્સની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં કોઈ પણ ઈ-મેઈલ ઉપર માઉસ પૉઈન્ટર લઈ જતાં તેની જમણી તરફ ચાર આઈકન્સ Archive, Delete, Mark as read, Snooze જોવા મળે છે. જી-મેઈલના અગાઉના ઈન્ટરફેસમાં આ સુવિધા જે તે ઈ-મેઈલને ઓપન કરવામાં આવે ત્યારે જ ઉપલબ્ધ બનતી હતી, જ્યારે હવે જે તે ઈ-મેઈલને ઓપન કર્યા વગર જ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બને છે. તેના વડે કોઈ પણ ઈ-મેઈલને આર્ચિવ, ડિલીટ, ઈ-મેઈલ વાંચી લીધા સ્વરૂપે સંગ્રહિત કરી શકાય તેમજ સ્નુઝ હેઠળ ઈ-મેઈલને ચોક્કસ સમયે એલાર્મની જેમ રિમાઈન્ડર સ્વરૂપે મેળવી શકાય છે.
➡ જી-મેઈલના નવા ઈન્ટરફેસની ખાસ સુવિધા એ છે કે – તેમાં મોકલેલાં કે મેળવેલાં ઈ-મેઈલમાં એટેચમેન્ટ સ્વરૂપની ફાઈલને ઈ-મેઈલ ખોલીને જોવાની જરૂર નથી. તેમાં ઈ-મેઈલ હેઠળ નીચેના ભાગમાં તેનું એટેચમેન્ટ જોવા મળે છે, જેના પર ક્લિક કરીને ઈ-મેઈલ ખોલ્યા વિના જ તેને ઉપયોગમાં લઈ શકાય છે.
➡ જી-મેઈલના નવા ઈન્ટરફેસમાં આ સિવાય પણ અનેક નાની-મોટી સુવિધાઓ ઉપલબ્ધ બની છે, જે માટે તેનો નિયમિત ઉપયોગ કરવો જરૂરી છે...