વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં આપણે કમ્પ્યૂટર કે લેપટોપ ક્યા કારણોસર અચાનક બંધ થઈ જાય છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
આજકાલ કમ્પ્યૂટર અને લેપટોપનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. ટેક્નોસેવી યુઝર્સ દ્વારા નિયમિત રીતે કમ્પ્યૂટર કે લેપટોપનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યૂટરના ઉપયોગના કારણે આપણે વિવિધ પ્રકારની કામગીરી ખૂબ જ ઝડપથી કરી શકીએ છીએ. પરંતુ ઘણાં યુઝર્સની ફરિયાદ છે કે, ઘણી વખત અમારું કમ્પ્યૂટર કે લેપટોપ અચાનક જ બંધ થઈ જાય છે. ઘણી વખત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે અનેક યુઝર્સ તુરંત જ હાર્ડવેર એન્જિનીયરને ફોન કરીને બોલાવી લે છે, જે માટે તેને ચાર્જ ચુકવવો પડે છે. પરંતુ જો કમ્પ્યૂટર કે લેપટોપ ક્યા કારણે બંધ થાય છે તે જાણી લેવામાં આવે અને તે મુશ્કેલીને દૂર કરવાના ઉપાય કરી લેવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. અહીં, આપણે કમ્પ્યૂટર કે લેપટોપ બંધ થવા માટેના કારણો અને ઉપાય વિશે ચર્ચા કરીશું.
➡ બેટરી
જો લેપટોપની બેટરી પૂરતી ચાર્જ ન હોય તો તે અચાનક જ બંધ થઈ શકે. જો તમે ટ્રાવેલીંગમાં જવાના હોવ અથવા કોઈ પ્રેઝન્ટેશન બતાવવાનું હોય તો અગાઉથી જ લેપટોપને પૂરતું ચાર્જ કરી લેશો. ખાસ ધ્યાનમાં લેશો કે – ગમે તે ચાર્જરથી લેપટોપને ચાર્જ ન કરવું. લેપટોપની સાથે આવેલાં કંપનીના ચાર્જર વડે જ લેપટોપને ચાર્જ કરવામાં આવે તે ઈચ્છનીય છે.
➡ સ્ટોરેજ
જો તમારા કમ્પ્યૂટરમાં વધુ પ્રમાણમાં સ્ટોરેજ કરવામાં આવ્યું હોય તો પણ તમારું કમ્પ્યૂટર અચાનક બંધ થઈ શકે છે. ખાસ કરીને કમ્પ્યૂટરના માસ્ટર ડ્રાઈવ એટલે કે C: ડ્રાઈવ કે જેમાં ઑપરેટિંગ સિસ્ટમ અને વિવિધ સૉફ્ટવેર ઉપલબ્ધ હોય છે તેમાં પૂરતી જગ્યા ન હોય તો કમ્પ્યૂટર અચાનક બંધ થઈ શકે છે. ધણી વખત વધુ પ્રમાણમાં સ્ટોરેજ કરવાના કારણે કમ્પ્યૂટર હૅંગ પણ થઈ શકે છે. જેથી શક્ય હોય ત્યાં સુધી માસ્ટર ડ્રાઈવ બને તેટલો ખાલી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. ડેટાને માસ્ટર ડ્રાઈવ સિવાયના અન્ય ડ્રાઈવમાં સ્ટોર કરવો અન્યથા એક્સ્ટર્નલ ડ્રાઈવ, પેન ડ્રાઈવ કે ક્લાઉન્ડ પર સ્ટોરેજ કરવું હિતાવહ રહેશે.
➡ ગરમી
જો કમ્પ્યૂટર કે લેપટોપનો વધુ પ્રમાણમાં સતત ઉપયોગ કરવામાં આવે તો તેના વિવિધ ભાગો ગરમ થઈ જાય છે. સતત ઉપયોગના કારણે પણ કમ્પ્યૂટર અચાનક બંધ થઈ શકે છે. કામ ન કરતાં હોય ત્યારે કમ્પ્યૂટર બંધ કરી દો. કમ્પ્યૂટર અને તેના વિવિધ ભાગોને પૂરતી હવા મળી રહે તે પ્રમાણે ગોઠવવું જોઈએ. લેપટોપની નીચેનો ભાગ વધુ પ્રમાણમાં ગરમ થઈ જાય તે માટે બજારમાં ઉપલબ્ધ USB ફેન પ્રકારનો બેઝ લઈ શકાય.
➡ હાર્ડવેર
જો કમ્પ્યૂટરમાં RAM, હાર્ડડિસ્ક, સીડી/ડિવીડી ડ્રાઈવ વગેરે કોઈ કારણોસર હલી ગયા હોય તો પણ કમ્પ્યૂટર બંધ થઈ શકે છે. જો RAM પોતાના સ્થાન પરથી હલી જાય તો પણ કમ્પ્યૂટર અચાનક બંધ થઈ જાય છે. વળી, CPU સાથે જોડવામાં આવતાં મૉનિટર, કી-બોર્ડ, માઉસ, પ્રિન્ટર વગેરેના વાયર ખેંચાઈ ગયા હોય તો પણ તે કામ કરતું બંધ થઈ જાય છે.
➡ એન્ટિવાયરસ
જો તમારા કમ્પ્યૂટર કે લેપટોપમાં વાયરસ આવી જાય તો પણ તે અચાનક બંધ થઈ શકે છે. તમારા કમ્પ્યૂટરમાં સારી કંપનીનું એન્ટિવાયરસ સૉફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવે તે જરૂરી છે. વળી, એન્ટિવાયરસ સૉફ્ટવેરને નિયમિત રીતે અપડેટ કરવું જોઈએ અને કમ્પ્યૂટર સિસ્ટમને સ્કૅન કરવી જોઈએ.
ખાસ નોંધ લેશો કે – ઘણી વખત કમ્પ્યૂટર અચાનક બંધ થઈ જાય કે હૅંગ થઈ જાય તો થોડા સમય માટે તેને બંધ રાખ્યા બાદ તેને ફરીથી શરૂ કરતાં તે ફરી ચાલુ થઈ જવાની શક્યતા પણ રહેલી છે.
આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.