વાચકમિત્રો, પ્રસ્તુત ઓનલાઈન કમ્પ્યૂટર હૅકિંગથી ક્યા પ્રકારે બચી શકાય તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
આજના ટેક્નોલોજીયુગમાં હૅકિંગ એ સામાન્ય બાબત બની ચૂકી છે. અવારનવાર વિવિધ રીતનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર હૅંક કરીને છેતરપીંડી કરવામાં આવે છે. જો કે આજની યુવાપેઢીને પણ હૅકિંગનો જાણે ચસ્કો લાગ્યો છે. તેઓ વિવિધ રીતનો ઉપયોગ કરીને જીમેઈલ, ફેસબુક, વોટ્સએપ પ્રકારની વેબસાઈટ કે એપ તેમજ કોઈના વાઈફાઈ કે મોબાઈલ નેટવર્કને ક્યા પ્રકારે હૅક કરી શકાય તે જાણવાની ઉત્સુક્તા ધરાવે છે. આ જ કારણથી ગુગલ અને યુટ્યુબ પર આ બાબતે સર્ચ કરતાં ગણ્યાં ગણાય નહિ અને જોવા જોવાય નહિ તેટલાં અઢળક વિકલ્પો ઉપલબ્ધ છે. કમ્પ્યૂટરની મદદથી ઈ-મેઈલ, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ, ઓનલાઈન બૅંકિંગ પ્રકારની અનેક અંગત બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કમ્પ્યૂટરને હૅંક કરી લેવામાં આવે તો તેમાં ઉપલબ્ધ અંગત ડેટાનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો કે આ તમામ પ્રકારનું હૅકિંગ અપરાધ બને છે. વળી, અદ્યતન ટેક્નોલોજીના કારણે આ પ્રકારના હૅકર્સની શોધ કરવી સરળ બની છે. અમુક ખાસ પ્રકારના ઉપાય અજમાવવા માત્રથી હૅકિંગથી બચી શકાય છે, તો થઈ જાવ તૈયાર હૅકિંગથી બચવાના ઉપાય જાણવા માટે...
➡ કમ્પ્યૂટરમાં ઉપલબ્ધ અનેક પ્રોગ્રામ કે એપ્લિકેશનને ચલાવવા માટે જાવા સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં રહેલી ખામીઓના આધારે હૅંકિંગ શક્ય છે. આ પ્રકારની ખામી જોવા મળતાં જ જાવા દ્વારા તેના અપડેટ્સ રજૂ કરવામાં આવે છે. તો સમયાંતરે કમ્પ્યૂટરમાં રહેલાં જાવા પ્રોગ્રામને અપડેટ કરવો જોઈએ. જાવા પ્રોગ્રામની સુરક્ષા વિશેની માહિતી અને જાવાના અદ્યતન અપડેટ્સને મેળવવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી શકાય છે.
https://java.com/en/download/
https://java.com/en/download/
➡ કમ્પ્યૂટરમાં એનિમેશન આધારિત બાબતો માટે ફ્લેશ પ્લેયરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માધ્યમ વડે પણ હૅંકિંગની શક્યતાઓ રહેલી છે. તેને અપડેટ રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. ફ્લેશ પ્લેયરના અદ્યતન અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી શકાય છે.
https://get.adobe.com/flashplayer/
https://get.adobe.com/flashplayer/
➡ કમ્પ્યૂટરમાં ઉપલબ્ધ બ્રાઉઝરને પણ નિયમિત રીતે અપડેટ કરવું જરૂરી છે. જો કે આજકાલ બ્રાઉઝર આપમેળે અપડેટ થાય તે પ્રકારના સેટિંગ્સ ઉપલબ્ધ હોય જ છે. જો કે Settings માં Help અને Update વિકલ્પ વડે બ્રાઉઝરને અપડેટ કરી શકાય છે.
➡ આપણે જાવા, ફ્લેશ અને બ્રાઉઝરને અપડેટ કરવાની વાત કરી રહ્યાં છીએ, પરંતુ કમ્પ્યૂટરમાં રહેલી ઑપરેટિંગ સિસ્ટમ અને તેમાં ઉપલબ્ધ સૉફ્ટવેરને પણ અપડેટ કરવા જરૂરી બને છે. કમ્પ્યૂટરની સંપૂર્ણ સુરક્ષા માટે ઑપરેટિંગ સિસ્ટમ અને સૉફ્ટવેરને અપડેટ કરવા જરૂરી બને છે.
➡ જો તમે વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય તો વિન્ડોઝ ફાયરવોલને ઍક્ટિવ રાખો. ફાયરવોલ બહારના નેટવર્કની ઘૂસણખોરીને અટકાવે છે. કમ્પ્યૂટરમાં Control Panel માં ઉપલબ્ધ Windows Firewall વિકલ્પ વડે તેને એક્ટિવ કરી શકાય છે.
➡ અજાણી કે અસુરક્ષિત વેબસાઈટ પર જવાનુ ટાળવું જોઈએ. ઘણી વખત લલચામણી ઓફર કે આકર્ષક સ્વરૂપની જાહેરાત ધરાવતી લિંક પર ક્લિક કરવાથી અસુરક્ષિત વેબસાઈટ પર પહોંચી જવાય છે, જેના દ્વારા હૅંકિંગ થવાની શક્યતા રહેલી છે. ઘણી વખત આ પ્રકારની અસુરક્ષિત સાઈટ પર જવાથી કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ કરેલાં એન્ટિવાયરસ પ્રોગ્રામ દ્વારા ચેતવણી પણ આપવામાં આવે છે.
➡ Proxy અને VNP ના ઉપયોગ દરમિયા યુઝરનેમ, પાસવર્ડ તેમજ અન્ય અંગત બાબતો દાખલ ન કરવી હિતાવહ છે. આ પ્રકારના Proxy અને VNP નો ઉપયોગ કરીને બ્લૉક વેબસાઈટ પર સરળતાથી પહોંચી શકાય છે, પરંતુ તેમાં દાખલ કરવામાં આવતી તમારી અંગત બાબતો તમારા કમ્પ્યૂટરને અસુરક્ષિત કરી શકાય છે.
➡ અજાણી કોઈ પણ વેબસાઈટ પરથી સૉફ્ટવેર ડાઉનલોડ ન કરવા હિતાવહ છે. ઘણી વખત મફતમાં ઉપલબ્ધ સૉફ્ટવેર ડાઉનલોડ કરવાની લાલચમાં આપણે અંગત માહિતી દાખલ કરીને પણ તે સૉફ્ટવેર ડાઉનલોડ કરવા પ્રયત્ન કરતાં હોઈએ છીએ, જે સરવાળે આપણને નુકશાન કરી શકે છે. સૉફ્ટવેરને તેની અધિકૃત વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવામાં આવે તે ઈચ્છનીય છે.
➡ તમારા વેબબ્રાઉઝરમાં અજાણ્યા કે અવિશ્વનીય પ્લગ-ઈન કે એડઑન્સ ઈન્સ્ટોલ ન કરવા હિતાવહ છે. ઘણી વખત વિવિધ પ્રકારની સુવિધાઓ મેળવવા માટે આપણે પ્લગ-ઈન કે એડઑન્સ ઈન્સ્ટોલ કરતાં હોઈએ છીએ, પરંતુ સાવચેત !!! વેબબ્રાઉઝરમાં ઉપલબ્ધ આ પ્રકારના પ્લગ-ઈન કે એડઑન્સની મદદથી તમારી ઓનલાઈન ગતિવિધીઓને ખૂબ જ સરળતાથી નોંધી શકાય છે.
➡ કમ્પ્યૂટરમાં લાઈસન્સ વર્ઝન આધારિત સારું એન્ટિવાઈરસ સૉફ્ટવેર ઈન્સ્ટોલ કરવું જરૂરી છે. એન્ટિવાઈરસ પ્રોગ્રામ તમારા કમ્પ્યૂટરને ઘણે ખરે અંશે હૅકિંગથી બચાવે છે. વળી, એન્ટિવાઈરસ પ્રોગ્રામને નિયમિત રીતે અપડેટ કરવું પણ તેટલું જ જરૂરી છે. કમ્પ્યૂટરમાં પેનડ્રાઈવ પ્રકારના કોઈ પણ સ્ટોરેજ ડિવાઈસનો ઉપયોગ કરતાં પહેલાં તેને સ્કૅન કરી લેવું જરૂરી બને છે.
➡ અજાણ્યા ઈ-મેઈલ કે સ્પામ પરથી આવતાં એટેચમેન્ટ કે લિંકને ઓપન કરવામાં ન આવે તે હિતાવહ છે. આ પ્રકારની કામગીરી કરવાથી કમ્પ્યૂટરને નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે.
➡ ઓનલાઈન બૅંકિંગ પ્રકારની વેબસાઈટનો ઉપયોગ કરતાં અગાઉ તેનું URL એટલે કે વેબસાઈટનું નામ ચકાસી લેવું. આજકાલ ફિશીંગ એટલે કે ભળતાં નામ ધરાવતી વેબસાઈટનો ઉપયોગ કરીને પણ છેતરપિંડી કરવામાં આવે છે. અહીં, ખાસ ધ્યાન રાખવું કે ઓનલાઈન બૅંકિગ કે ઓનલાઈન ખરીદી પ્રકારની વેબસાઈટ કે જેમાં નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હોય તેમાં વેબસાઈટની શરૂઆતમાં http ની જગ્યાએ https હોય છે.
➡ ઓપન કે અસુરક્ષિત પ્રકારના વાઈફાઈનો ઉપયોગ કરવામાં ન આવે તે જરૂરી છે. ઘણી વખત ઉપયોગકર્તા મફતમાં વાઈફાઈ ઉપલબ્ધ થતાં જ તેનો ઉપયોગ કરવા લાગે છે, જે તમારા મોબાઈલમાંથી અંગત ડેટા ચોરી લે તેવું પણ બને. વળી, આ પ્રકારના ઓપન વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને નેટબૅંકિગ તેમજ ઓનલાઈન ખરીદી પ્રકારની અંગત બાબતોનો ઉપયોગ કરવામાં ન આવે તે જરૂરી છે.
➡ સુરક્ષિત અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. ડિક્સનરીમાં ઉપલબ્ધ શબ્દને પાસવર્ડ સ્વરૂપે ન રાખવો જોઈએ. પાસવર્ડમાં કૅપિટલ-સ્મૉલ આલ્ફાબેટ, ન્યુમરિક અંક અને સિમ્બોલનું મિશ્રણ હોય તે જરૂરી છે. વળી, દરેક વેબસાઈટ કે લોગઈન માટે એક જ પાસવર્ડની જગ્યાએ અલગ-અલગ પાસવર્ડ રાખવામાં આવે તે જરૂરી છે, અન્યથા એક પાસવર્ડ હૅક થતાં જ દરેક એકાઉન્ટ હૅંક થવાની શક્યતાઓ રહેલી છે.
આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.